- ભારતીય ટીમનું વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન
- કપિલ દેવે રોહિત શર્માને આપી સાત્વના
- તમે ચેમ્પિયનની જેમ રમ્યા છો : કપિલ દેવ
વર્લ્ડકપ 2023ની ફાઇનલની હાર બાદ પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે ટીમ ઈન્ડિયાને લઇને નિવેદન આપ્યું છે. એક પત્રકારે પુછ્યું કે ભારતની હાર માટે તમે કઇ કહેવા માંગો છો? જવાબમાં કપિલ દેવે કહ્યું કે, તમે બધું જોયું જ છે, મારે કહેવાની કંઇ જરૂર નથી.
મને લાગે છે કે ખેલાડીઓએ હારને ભૂલીને આગળ વધવું જોઇએ. કારણ કે સ્પોર્ટસ વાપસી કરવાનું શીખવાડે છે. કપિલ દેવને પુછવામાં આવ્યું કે શું ભારતની હાર માટે ફિટનેસ કે થકાવટ જવાબદાર હતી. જવાબમાં તેમણે કહ્યું કે, ના એવું કઇ જ ન હોતું નથી. તમે હારો છો એટલે આવા સવાલ કરો છો પરંતુ તમે જીતો છો તો તમને આવા સવાલ કરાતા નથી. વધુમાં કહ્યું કે, ખેલાડીઓએ વધુ આકરી મહેનત કરીને આગળ વધવું જોઇએ.
વર્લ્ડકપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાની હારના બીજા દિવસે કપિલ દેવે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું, ‘તમે ચેમ્પિયનની જેમ રમ્યા છો. તમારું માથું ઊંચું રાખીને ચાલો. તમારા મગજમાં એક જ ધ્યેય ટ્રોફી જીતવાનું હતું. પરંતુ કમનસીબે જીતી શક્યા નથી. તેમ છતાં તમે વિજેતા તરીકે ઉભરી આવ્યા છો. ભારતને તમારા પર ગર્વ છે.
‘રોહિત હિંમત રાખ’
કપિલ દેવે આગળ લખ્યું, ‘રોહિત, તું જે કરે છે તેમાં નિષ્ણાત છે. ઘણી બધી સફળતા તમારી રાહ જોઈ રહી છે. હું જાણું છું કે આ ક્ષણે તે સરળ નથી પરંતુ તમે હિંમત રાખો. ભારત તમારી સાથે છે. કપિલ દેવે રોહિતની રડતી તસવીરો સાથે આ સ્ટોરી શેર કરી છે.
ટ્રોફી ગુમાવ્યા બાદ રોહિત આસુ રોકી ન શક્યો
વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં હાર બાદ રોહિત શર્મા આંસુ રોકી શક્યો નથી. મેદાન છોડતી વખતે અચાનક તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આ પછી તે ચૂપચાપ ડ્રેસિંગ રૂમ તરફ ગયો. રોહિતની આ રડતી તસવીરોએ કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોને વધુ દુઃખી કરી દીધા હતા.