અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાયેલા વર્લ્ડકપ ફાઈનલમાં ઉત્સાહનો સમંદર છલકાયો હતો. જો કે, પ્રારંભીક ઉત્સાહ છેવટે નિરાશામાં પલ્ટાઈ ગયો હતો. ભારતની હારથી અતિ ઉત્સાહ સાથે પહોંચેલા દર્શકોને હતાશા થઈને પરત ફરવુ પડયુ હતું. ભારતના હાથમાંથી બાજી સરકવા લાગતા સ્ટેડીયમમાં જ પ્રેક્ષકો પ્રાર્થના કરવા લાગ્યા હતા અને સમર્થકોની આંખોમાં આંસુ પણ છલકાવા લાગ્યા હતા.
માથે હાથ મુકીને અફસોસ પણ વ્યક્ત કરવા લાગ્યા હતા. મેચના પ્રારંભીક તબકકે આખો માહોલ ‘બ્લુ’ બની ગયો હતો. ટીમ ઈન્ડીયાની જર્સીમાં હજારો દર્શકો ઉમટયા હતા અને સ્ટેડીયમ તરફના દરેક માર્ગો બ્લુરંગથી છવાઈ ગયા હતા.
ભારતની હાર નિશ્ચિત બનવા લાગતા સંખ્યાબંધ પ્રેક્ષકો-ક્રિકેટપ્રેમીઓ મેચના આખરી રીઝલ્ટની રાહ જોયા વિના જ સ્ટેડીયમમાંથી રવાના થવા લાગ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આ વર્લ્ડકપ ફાઈનલ મેચના ઉત્સાહના ઘોડાપુર તથા હતાશાની આ તસ્વીર.