ઑસ્ટ્રેલિયા સામેની ટી૨૦ સિરીઝમાં સૂર્યા કૅપ્ટન? હાર્દિક પંડ્યા પગની ઘૂંટીની ઈજાને લીધે હજી ઘણા દિવસ રમી ન શકવાનો હોવાથી વર્લ્ડ કપ પછી ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે જે ટી૨૦ સિરીઝ રમાવાની છે એ માટેની ટીમમાં સૂર્યકુમાર યાદવને કૅપ્ટન બનાવાશે એવી ચર્ચા છે. અજિત આગરકરની સિલેક્શન કમિટી આ જ નિર્ણય લેશે એવી સંભાવના છે. એ શ્રેણી ૨૩ નવેમ્બરે વિઝાગ ખાતેની મૅચથી શરૂ થશે અને ૩ ડિસેમ્બરે હૈદરાબાદમાં પૂરી થશે.
વેસ્ટ ઇન્ડીઝ ખાતેના પ્રવાસમાં સૂર્યા વાઇસ-કૅપ્ટન હતો.
લાઇફ-સેવિંગ તબીબી સાધનો પ્રેક્ષકો નજીક રાખો
મેડિકલ ટેક્નૉલૉજી અસોસિએશન ઑફ ઇન્ડિયાએ તાજેતરમાં આઇસીસી તથા બીસીસીઆઇને પત્રમાં લખ્યું હતું કે ‘મૅચના સ્થળે પ્રેક્ષકોની સલામતીના પગલા તરીકે જીવન બચાવતાં તબીબી સાધનો તેમની નજીક રાખવાં જરૂરી છે. લાઇફ સ્પોર્ટ્સ મૅચના સ્થળે હજારો લોકોનો ધસારો થવા ઉપરાંત તેમનામાં ઘણાનું સ્ટ્રેસ-લેવલ વધી શકે અને તેમની લાગણીઓ તથા ભાવનાઓમાં પણ ભારે ઉતાર-ચડાવ આવી શકે એને જોતાં કાર્ડિયો-વેસ્ક્યુલર, બ્રેઇન સ્ટ્રોક વગેરેના બનાવો ખૂબ વધી શકે એટલે આવશ્યક તબીબી સાધનો હાથવગાં રાખવાં અત્યંત જરૂરી છે.’
૮૬ વર્ષના સુબ્રમણ્યમ ચારેય રમતમાં જીત્યા ગોલ્ડ
તામિલનાડુ રાજ્યના પોલાચી નગરમાં રહેતા ૮૬ વર્ષની ઉંમરના કે. સુબ્રમણ્યમ (હુલામણું નામ સુબ્બુ) ફિલિપીન્સની એશિયન માસ્ટર્સ ઍથ્લેટિક્સ મીટમાં ચાર રમતમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. મોટી સ્પર્ધાઓમાં પણ ચૅમ્પિયન બનવામાં મોટી ઉંમર અવરોધરૂપ નથી હોતી એ સુબ્રમણ્યમે લૉન્ગ જમ્પ, ટ્રિપલ જમ્પ, હાઈ જમ્પ અને જેવલિન થ્રો (ભાલાફેંક)માં ગોલ્ડ મેડલ જીતીને પુરવાર કર્યું છે.
પોઇસર જિમખાનામાં આવતી કાલે ફાઇનલનું લાઇવ સ્ટ્રીમિંગ
કાંદિવલી-પશ્ચિમના પોઇસર જિમખાનામાં આવતી કાલે બપોરે ૧.૩૦ વાગ્યાથી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ ફાઇનલનું ૨૦X૧૨ ફુટના મોટા એલઈડી સ્ક્રીન પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. ક્રિકેટજગતમાં યાદગાર અને રોમાંચક બનનારી આ મૅચ પરિવાર સાથે જોવા આવવાનું તમામ ક્રિકેટપ્રેમીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
પિચ કન્સલ્ટન્ટ ભારતમાંથી રવાના
વર્લ્ડ કપની બન્ને સેમી ફાઇનલની તેમ જ આવતી કાલની અમદાવાદની ફાઇનલ માટેની પિચને લઈને વિવાદ થયો એમાં કેન્દ્રસ્થાને રહેલા આઇસીસીના પિચ કન્સલ્ટન્ટ ઍન્ડી ઍટ્કિન્સન ફાઇનલના ૪૮ કલાક પહેલાં (ગઈ કાલે) ક્યાં છે એની જાણ કોઈને નહોતી. ઍન્ડી ન્યુ ઝીલૅન્ડના છે અને કહેવાય છે કે તેઓ સ્વદેશભેગા થઈ ગયા છે. ગઈ કાલે અમદાવાદની પિચને તૈયાર કરાવવામાં બીસીસીઆઇના આશિષ ભૌમિક, તેમના સહાયક તપોશ ચૅટરજી તેમ જ બીસીસીઆઇના જીએમ (ડોમેસ્ટિક ક્રિકેટ) ઍબી કુરુવિલાનો સમાવેશ હતો.